A Virtual & Dynamic City... 
Home  |  Sign up  |  Login  
bullet About Surat
bullet Article library and tips
bullet Events in Surat
bullet FAQ
bullet Jobs@MyCitySurat
bullet Surat city and other maps
bullet Tell a friend
bullet Your Suggestion please
bullet WomenZone
bullet KidsZone
Go to your Gmail account
Go to your Yahoo! Email account
Go to Google Search
Wikipedia : The Online & Dynamic Enclopedia
8RP: Book your space on MyCitySurat
 Blue Bullet What we don't know about Manuben Gandhi ?

નવી પેઢી કદાચ મનુબેન ગાંધીને નથી ઓળખતી.
ગાંધીજી બે નાનકડી દીકરીઓના ખભે હાથ મૂકીને પાછલી ઉંમરમાં ચાલતા તેમાંના એક મનુબેન ગાંધી હતાં. ૧૯૪૬ના અંતમાં મનુબેન ગાંધી બાપુ સાથે સહુથી વધુ તો નોઆખલીમાં રહ્યા હતા. ત્યાં સહુથી વધુ કોમી દંગલો થયાં હતાં.
મનુબેન ગાંધીએ પણ બા-બાપુ સાથેના સંસ્મરણોની નાનકડી ડાયરી લખી છે. મનુબેને લખ્યું છે કે, ‘‘બાપુનો જન્મદિવસ અંગ્રેજી તારીખ પ્રમાણે તા. ૨જી ઓકટોબરે અને ભારતીય તિથિ  પ્રમાણે ભાદરવા વદ બારસે આવે છે. સવારે સાત વાગે અમે બાપુ જોડે ફરવા ગયાં. ત્યાં એક અંગ્રેજ ભાઈએ બાપુનો ફોટો લેવા પ્રયાસ કર્યો. બાપુ એમની પર નારાજ થયા. બાપુ બોલ્યા : ‘‘આજે તો ઇશ્વરનું નામ લેવું જોઈએ તેના બદલે આ ફોટા પડાવવાના ?’’
રેંટિયા બારસ એમનો જન્મદિવસ હતો. નવું નવું ખાવાના બદલે બાપુએ ઉપવાસ કર્યો હતો. મનુબેને બાપુને પૂછયું : ‘‘બાપુ, આજે શા માટે ઉપવાસ કરો છો ?’’
બાપુએ કહ્યું : ‘‘આજે તો રેંટિયાનો જન્મદિવસ છે. રેંટિયો તો પરમાર્થી દેવ છે. આજે તો આપણે ઉપવાસ કરી પવિત્ર થવા પ્રયાસ કરવો જોઈએ.’’
એ દિવસોમાં નોઆખલી ખાતે કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા અને બાપુ બહુ જ દુખી હતા. એ વખતે  જવાહરલાલ નેહરુ, ઈન્દિરા, ઘનશ્યામદાસ બિરલા, સરદાર સાહેબ, ક.મા. મુનશી આવ્યા. પ્રાર્થના પછી બાપુને ઉધરસ ચડી. કોઈએ કહ્યું : ‘‘બાપુ ! આપને ઉધરસ તો ના મટી ?’’
બાપુ બોલ્યા : ‘‘ભગવાનની ઈચ્છા હશે તો મટશે. નહીંતર આમાંથી ચાલ્યા જવાનું ગમશે. હવે હું સવાસો વર્ષ જીવવા માંગતો નથી. તમે બધા પણ મારા માટે એજ પ્રાર્થના કરો કે ઈશ્વર આ બુઢ્ઢાને આ દાવાનળ (કોમી દંગલો)માંથી લઈ લે અથવા હિન્દુસ્તાનને સદ્બુદ્ધિ આપે.’’
એ પછી ગાડગીલ, દેવદાસ ગાંધી, બર્માના હાઈ કમિશનર, ચીનના હાઈ કમિશનર અને લેડી માઉન્ટ બેટન પણ બાપુને મળવા આવ્યા. બધા બાપુુ માટે જન્મદિવસની શુભેચ્છાના પત્રો અને ફળો લાવ્યા હતા.
બપોરે એક કલાક સમુહ કાંતણ થયું. દિવસ આનંદમાં પસાર થયો. રાત્રે રેડિયો પર સુંદર કાર્યક્રમ હતો. મનુબેને કહ્યું : ‘‘બાપુ ! આજે આપનો જન્મદિવસ છે. આજે તો રેડિયો સાંભળો ?’’
બાપુએ કહ્યું : ‘‘એમ તે શું સાંભળવાનું ? રેડિયોમાં ભજનો સાંભળવા તે કરતાં રેંટિયાનું સંગીત ના સાંભળીએ ?’’
૧૯૪૮ની સાલમાં બાપુના એ જન્મદિવસે દેશ પરદેશમાંથી હજારેક તાર આવ્યા હતા.
મનુબેન ગાંધી સતત બાપુ સાથે રહેતાં. ૧૯૪૨માં કસ્તુરબા જેલમાં હતા ત્યારે મનુબેન માત્ર ૧૪  વર્ષની વયનાં હતાં. મનુબેન ૧૨ વર્ષની વયનાં હતાં ત્યારે સગી મા ગુમાવી ત્યાર પછી તેઓ કસ્તુરબા અને બાપુ સાથે રહ્યાં.
એ વખતે નોઆખલીમાં ભારે  કોમી તોફાનો થયાં હતાં. ૩૦મી માર્ચ ૧૯૪૭ના રોજ બાપુ નોઆખલી પહોંચી ગયા. એ વખતે હિન્દુસ્તાનના વાઈસરોયે બાપુને  દિલ્હી આવવા આમંત્રણ આપ્યું અને બાપુ વિમાનમાં આવે તેવી વ્યવસ્થા વાઈસરોય જાતે કરી. પરંતુ બાપુએ વિમાનમાં મુસાફરી કરવાનો સાફ ઈન્કાર કરતાં જણાવ્યું કે,’’જે વાહનમાં મારા દેશના કરોડો ગરીબો મુસાફરી કરી શકતા ન હોય તેમાં મારાથી કેમ બેસાય ? હું તો ટ્રેનમાં જ આવીશ.’’
અસહ્ય ગરમીમાં પણ બાપુએ ટ્રેન જ પકડી. પટણાથી દિલ્હી જતી ટ્રેનમાં મૂકવા પુષ્કળ લોકો રેલવે  સ્ટેશન પર આવ્યા હતા. મનુબેને બાપુની સુવિધા માટે એક જ ડબામાં બે ખાનાં પસંદ કર્યાં. એકમાં બાપુ હોય જેઓ તેમનું લખવા-વાંચવાનું કામ કરી શકે અને બીજા વિભાગમાં બાપુનો સામાન તથા દૂધ-પાણી વગેરે ગરમ કરવાનું કામ થઈ શકે.
ટ્રેન ઉપડી. થોડીવાર પછી મનુબેન આવ્યાં. એટલે બાપુએ પૂછયું : ‘‘ક્યાં હતી ?’’
મનુબહેને કહ્યું : ‘‘બાપુ, આપના માટે ખાવાનું તૈયાર કરતી હતી.’’
બાપુએ કહ્યું :’’મનુ ! બારીની બહાર નજર કર. કેટલા બધા માણસો લટકીને મુસાફરી કરે છે ? તેં ડબ્બામાં બે ખાનાં કેમ પસંદ કર્યાં ? તંે અલગ ખાના  માટે કહ્યું હતું ?
મનુબેને કહ્યું : ‘‘હા બાપુ, હું ત્યાં આપના માટે સ્ટવ  પર દૂધ ગરમ કરુ છું. વાસણો  સાફ કરું છું.  આપને તકલીફ પડશે એમ જાણીને મેં બીજો  અલગ વિભાગ પસંદ કર્યો.’’
‘‘કેવો લૂલો બચાવ કરે છે ?’’ કહેતા બાપુ બોલ્યા : આંધળો પ્રેમ તે આનું  નામ. તને ખબર છે ને મેં વિમાનમાં બેસવાની ના પાડી એટલે વાઈસરોયે  મારા માટે સ્પેશિયલ  ટ્રેનની વ્યવસ્થા કરવા કહ્યું હતું. એક સ્પેશિયલ ટ્રેન પાછળ કેટલી બીજી ટ્રેનો રોકાય ? કેટલા હજારનું ખર્ચ થાય ? તેં આજે વધારાનું ખાનું માંગ્યું, કાલે સલૂન માંગ્યુ હોત તો પણ તે મળત. આ બરાબર નથી થયું. આગલું સ્ટેશન આવે એટલે સ્ટેશન માસ્તરને મારી પાસે બોલાવજે !’
મનુબેન થરથર કાંપવા લાગ્યાં.  બીજા સ્ટેશને તેઓ સ્ટેશન માસ્તરને  બોલાવી  લાવ્યાં. બાપુએ કહ્યું : ‘‘જુઓ ભાઈ, આ મારી પૌત્રી છે, પણ નાની છે અને ભોળી પણ છે.  એણે બે ખાનાં પસંદ કર્યા એમાં એનો દોષ નથી. મારી કેળવણી જ અધૂરી હશે. હું અને મનુ બંને એનું પ્રાયશ્ચિત કરી નાંખીશું. અમે એક  ખાનું ખાલી કરી નાંખીશું. તેમાં બહાર લટકે છે તે ઉતારુઓને બેસાડી દો.’’
એકવાર નોઆખલીના એક ગામડાંમાં સ્થાનિક કાર્યકર્તાઓએ બાપુના સ્વાગત માટે ભવ્ય તૈયારીઓ કરી દીધી. લોકો બીજે ગામ જઈ ફૂલ ખરીદી લાવ્યા હતા. રંગીન ધ્વજ પતાકાઓ લહેરાવી દીધી હતી. રિબીનો મંડપ પર બાંધી દીધી હતી. ઘી-તેલનાં દીવાઓ કર્યા હતા.
બાપુ તો નોઆખલીના દેવીપુર ગામ પહોંચ્યા અને ધ્વજપતાકાઓ અને ફૂલોના હાર જોઈ ગંભીર બની ગયા. ગામમાં ત્રણસો હિન્દુઓ અને દોઢસો મુસલમાનો રહેતા હતા. બાપુએ ગામના બે મુખ્ય આગેવાનોને બોલાવી ઠપકો આપ્યો :’’ તમે આ બધું ખર્ચ ક્યાંથી કાઢયું ?’’
એક આગેવાને કહ્યું :’’બાપુ, આપનાં પગલાં અમારે ત્યાં ક્યાંથી ? અમે બધા હિન્દુઓએ મળી દરેક  જણે આઠ આઠ આના કાઢી ત્રણસો રૃપિયા ભેગા કર્યા હતા તેમાંથી આ ફૂલને બીજો સામાન લાવ્યા છીએ !’’
બાપુ વધુ ચીડાયા : ‘‘આ બધા ફૂલો અને  જે જાહોજલાલી તમે કરી છે તે તો થોડીવાર પછી કરમાઈ જશે. મને તો એમ લાગે છે કે તમે બધા મને છેતરી રહ્યા છો. મારી દૃષ્ટિએ તમે હિન્દુઓએ મારા સ્વાગત માટે આવી જાહોજલાલી  કરી કોમી ઉશ્કેરાટ વધારી રહ્યા છો. તમને ખબર નથી કે અત્યારે હું કોમી તોફાનોની અગ્નિજ્વાળાઓમાં હોમાયેલો છું. આવા ટાણે આ બધા ફૂલોની શું જરૃર હતી ? એના કરતા  સુતરની આંટી લાવ્યા હોત તો મને સારું લાગત કારણ કે સુતરના હાર શોભા પણ કરે છે અને વળી એમાંથી કપડું પણ બને છે. આ ગામમાં પૈસો વધુ લાગે છે. નહીંતર આવા કપરા (કોમી તોફાનો) કાળમાં તમને હારતોરા કરવાનું ના સુઝત. વળી તમે કહો છો કે તમે કોંગ્રેસના કાર્યકર્તાઓ છો. એમ.એ. સુધી ભણેલા છો. જેલમાં જઈ આવ્યા છો. ટૂંકી પોતડી પહેરો છો. તો પછી વિલાયતની મિલમાં બનેલી રેશમની રીબીનો મારા સ્વાગત માટે કેમ લઈ આવ્યા ?મને તમે આજે ચેતવી દીધો  છે. આજના પ્રસંગ પછી મને ચિંતા થાય છે કે આજે દેશના સેવક તરીકે ઓળખાતો પ્રજાનો સેવક કોઈક ને કોઈક હોદ્દો પ્રાપ્ત કર્યા બાદ આવા હારતોરા પહેરવાની લાલચમાં તો નહીં પડી જાય ને ?
- અને બાપુએ આપેલા ઠપકાથી કાર્યકર્તાઓના મોં પડી ગયાં. અડધો કલાકમાં જ બાપુના સ્વાગત માટે ગોઠવાયેલી ધ્વજપતાકાઓ ઉતરાવી લીધી. એ પ્રસંગે ફૂલોના હારોમાં જેટલા દોરા વપરાયા હતા તે દોરાની દડી બનાવરાવી. તેમાંથી મોટો દડો બન્યો અને એ દોરો કપડાં સીવવાના કામ માટે લોકોને આપ્યાં.
- એ પછી બાપુનું સ્વાગત ફૂલોના હારથી નહીં, પરંતુ સૂતરની આંટીઓ દ્વારા જ થવા લાગ્યું.
મનુબેન ગાંધીના આ સંસ્મરણો દસ હજાર રૃપિયાના પોતાના કદ કરતા પણ મોટા હાર પહેરતા અને ફાઈવ સ્ટાર હોટેલોમાં રહી દેશનો વહીવટ કરતાં સહુ નેતાઓને અર્પણ છે. શશી થરુર જેવા મંત્રીઓ કેટલ ક્લાસ કહીને ગરીબોની ઠેકડી ઉડાવે છે પરંતુ થરુરને એ વાતની ખબર નથી કે બાપુએ  સ્વાતંત્ર્ય સંગ્રામ શરૃ કરતાં પહેલાં ટ્રેનમાં ત્રીજા વર્ગના ડબ્બામાં બેસીને આખા ભારતની યાત્રા કરી હતી.

Contributed by : bina.31565@yahoo.co.in

Quotes by Mahatma Gandhi

Life and Deeds of Mahatma Gandhi in brief

More about Indian Culture and Festivals

 

 
Home | Search | MyCityJobs | Downloads | Privacy Policy | About us | Terms of Use | Info | Bookmark 
All rights reserved by K.I.S. & S.  Powered by Snow Infotech